Swaminarayan Community
Sandalwood coal

Sandalwood coal

April 1, 2022

એક રાજા વનમાં ફરવા માટે ગયા. શિકારનો પીછો કરતાં કરતાં રસ્તો ભૂલી ગયા અને જંગલમાં ભટકી ગયા. ગાઢ જંગલમાં પહોંચી ગયા. રસ્તો સાફ નહોતો દેખાતો તેથી સાથીઓ પણ બધા છૂટા પડી ગયા કોઈ સાથેન રહ્યા હતા. રાત થઈ ગઈ હતી. જંગલનાં હિંસક પશુઓ ગર્જના કરવા લાગ્યાં. રાજાને ડર લાગ્યો. અને રાત્રિનો સમય વિતાવવા માટે આશ્રય શોધવા લાગ્યા. ઊંચા વૃક્ષ પર ચડીને જોયું તો ઉત્તર દિશામાં એક દીવો સળગતો દેખાતો હતો. રાજા તે દિશા તરફ ચાલ્યા અને કોઈ વનવાસીની ઝૂંપડીમાં જઈ પહોંચ્યા.

 

પોતાને એક રસ્તો ભૂલેલ સામાન્ય પથિક બતાવતાં રાજાએ તે વ્યક્તિને એક રાત નિવાસ કરવા માટે પ્રાર્થના કરી. વનવાસી ઉદાર મનનો હતો. તેણે પ્રસન્નતા પૂર્વક રોક્યા અને ઘરમાં જે પણ કંઈ ખાવાનું હતું તે આપીને તેની ભૂખ મિટાવી. વનવાસી પોતે જમીન પર સૂઈ ગયો અને મહેમાનને આરામથી ઊંઘવા માટે પોતાનો ખાટલો આપી દીધો. રાજાએ ખાટલા પર ગાઢ નિદ્રામાં સૂઈ ગયા. વનવાસીની ઉદારતા પર એનું મન ઘણું પ્રસન્ન હતું. સવાર થતાં જ વનવાસીએ રાજાને સાચા માર્ગે છોડવામાં પણ મદદ કરી.

 

બંને એકબીજાથી છૂટા પડી રહ્યા હતાં તે દરમિયાન રાજાને મહેમાનગતિનો બદલો ચૂકવવાનું મન થયું. પરંતુ આપેશું ? કંઈક આપે તો પણ તે એકાંતવાસી પાસે ચોર રહેવા દેશે ? એટલા માટે એવી ભેટ આપવી જોઈએ કે જેની ચોરી થવાનો ભય પણ નહીં અને આવશ્યકતા અનુસાર
તેમાંથી તેને ઉપયોગી આવક પણ ઉપલબ્ધ થતી રહે.

 

એ જ જંગલમાં રાજાનો એક વિશાળ ચંદનનો બગીચો હતો. તેમાં ચંદનનાં ઘણાં બધાં વૃક્ષો હતાં. રાજાએ પોતાનો પૂરો પરિચય આપ્યો. તે વનવાસીને ચંદનના બગીચાનો માલિક બનાવી દીધો. બંને સંતોષ પૂર્વક પોત પોતાના નિવાસ તરફ જતા રહ્યા.

 

આ વનવાસી લાકડાના કોલસા બનાવી વેચીને ગુજરાન કરતો હતો, તેજ રીતી-નીતિ તેણે ચંદનનો બગીચો પોતાને મળ્યો તોપણ અપનાવી રાખી. ચંદનનાં વૃક્ષો સારાં અને મોટાં હતાં. સહેલાઈથી કોલસા બનવા લાગ્યા. હવે તો તેની પાસે પોતાનું જ મોટું વન હતું તેથી તેણે એકની
જગ્યાએ બેફેરા નજીકના નગરમાં લગાવવાની શરૂઆત કરી દીધી. તેથી ડબલ આવક થવા લાગી. વનવાસી ખૂબ જ પ્રસન્ન હતો. વધારે પૈસા મળવાથી તેણે વધારે સુવિધા સામગ્રી ખરીદવાની શરૂઆત કરી દીધી. અને વધારે સુખ પૂર્વક રહેવા લાગ્યો.

 

વીસ વર્ષમાં ચંદનનો આખો બગીચો કોલસો બની ગયો. એક જ વૃક્ષ બચ્યું. એક દિવસ વરસાદ પડવાથી કોલસા ન બની શક્યા. તેથી કંઈક મેળવવા માટે વૃક્ષ પરથી એક ડાળી કાપી અને તેને લઈને નગરમાં ગયો. તે લાકડામાંથી ખૂબ જ સુગંધ આવતી હતી. ખરીદનારે સમજી લીધું કે આતો ચંદન છે. વનવાસી કોલસા વેચતો હતો તેની બરાબરીમાં વીસ ગણા વધારે પૈસા મળ્યા. બધા લોકો એ લાકડાં માંગવા લાગ્યા અને કહ્યું કે આ લાકડાં ભીનાં હોવાથી તેના ઓછા ભાવ આપીએ છીએ, સૂકાં હોય તો એની વધારે કિંમત મળે. વનવાસી પૈસા લઈને પોતાના નિવાસ પર આવ્યો. મનમાં ને મનમાં પસ્તાવા લાગ્યો.

 

મનુષ્યનું જીવન એ અનંતકોટી બ્રહ્માંડોના રાજા એવા પરમાત્માએ આપેલ ચંદનનો બગીચો છે. તેની એક એક ડાળી, કહેતાં એક એક ક્ષણ ખૂબ જ મૂલ્યવાન છે. જે એનો પોતાના આત્યંતિક કલ્યાણ માટે સદુપયોગ કરી શકે તે ધન્ય બની જાય છે. અને જે લાપરવાહી કરી ગુમાવી દે છે તે વનવાસીની જેમ ખૂબ જ પસ્તાય છે. માટે સવેળા ચેતી ભગવાન અને મોટા પુરુષની આજ્ઞા-મરજીમાં ભળી ભજન–ભક્તિ કરી ભગવાનમાં લાગી જઈએ તો ભગવાનને પામી જવાનું બહુ મોટું કામ થઈ જાય તેમ છે.